Revelation of John 16

1એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત દૂતને એમ કહ્યું કે, ‘તમે જાઓ ને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.’

2પહેલો દૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.

3બીજાએ પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો, અને જે સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યાં.

4ત્રીજાએ પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયો, અને પાણી લોહી થઈ ગયાં. 5પાણીના દૂતને એમ બોલતાં મેં સાંભળ્યો કે, ‘ઓ પવિત્ર, તમે જે છો અને હતા, તમે ન્યાયી છો, કેમ કે તમે અદલ ન્યાય કર્યો છે; 6કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.’ 7વેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, ‘હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.’

8ચોથા દૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડયો; એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી; 9તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની તેમણે નિંદા કરી, અને તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પશ્ચાતાપ કર્યો નહિ.

10પાંચમાએ પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા, 11અને પોતાની પીડાઓને લીધે તથા પોતાનાં ગુમડાંઓને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની નિંદા કરી; પણ પોતાનાં કામોનો પશ્ચાતાપ કર્યો નહિ.

12પછી છઠ્ઠાએ પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પર રેડ્યો અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય. 13ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકોના મોંમાંથી [નીકળતા] દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા; 14કેમ કે તેઓ ચમત્કારો કરનારા અશુદ્ધ આત્મા છે, કે જેઓ આખા જગતના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે.

15(જુઓ ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવાં રાખે છે કે પોતાને નિર્વસ્ત્ર જેવા ન ચાલવું પડે, અને તેની શરમજનક પરિસ્થિતિ ન દેખાય, તે આશીર્વાદિત છે). 16ત્યારે હિબ્રૂ ભાષામાં ‘આર્માંગેદન’ કહેવાતી જગ્યાએ, તેઓએ તેઓને એકત્ર કર્યાં.

17પછી સાતમાએ પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે ભક્તિસ્થાનમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું; 18અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં; વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવો કદી થયો નહોતો. 19મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાષ્ટ્રોનાં શહેરો નષ્ટ થયાં; અને ઈશ્વરને મોટા બેબિલોનની યાદ આવી, એ માટે કે તે પોતાના સખત કોપના દ્રાક્ષરસનો પ્યાલો તેને આપે.

20ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ. અને આકાશમાંથી આસરે વીસ વીસ કિલોગ્રામનાં કરાં માણસો પર પડ્યા અને કરાંની આફતને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી કેમ કે તે આફત અતિશય ભારે હતી.

21

Copyright information for GujULB